કલ્યાણ ડોમ્બીવલી શહેર અગાઉ તળાવના નામે ઓળખાતું હવે તે વૃક્ષોના નામે ઓળખાશે અને આપણા નાગરિકો ને તેનો ફાયદો થશે આપણને ચોખ્ખો ઓક્સિજન મળશે એવુ કલ્યાણ ડોબીવલી મહાનગરપાલિકા કમિશનર ડૉ. ઈન્દુરાણી જાખરે સ્થાયી સમિતિ સભાગૃહમાં જણાવ્યું હતું. વધુમાં જણાવ્યું કે મહાનગરપાલિકામાં સાડા સાત લાખ કરતા વધુ વૃક્ષો હોવાની ગણના મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે આ વૃક્ષો કઈ જાતના અને કયા પ્રકારના છે તે ઉપરાંત કેટલા વર્ષથી છે તેની ઉંમર શું છે તેની સચોટ માહિતી એકઠી કરી તેનો રિપોર્ટ કરવામાં આવેલ છે. આ બાબતે મહાનગરપાલિકાએ એક પુસ્તિકા બહાર પાડી તેમાં તમામ પ્રકારની માહિતી રજૂ કરવામાં આવી છે. મહાનગરપાલિકાના કયા બોર્ડમાં કેટલા વૃક્ષો છે તેની માહિતી એકઠી કરી છે. આ વૃક્ષો ક્યાં છે કેવી હાલતમાં છે તેની માહિતી ફોટા સાથે અને તેમાં દેશી વૃક્ષોની માહિતી પણ આપવામાં આવી છે. આ વૃક્ષો ની સંખ્યા ઘટે નહીં તેની કાળજી નાગરિકોએ લેવી. શુક્રવારે મહાપાલિકા કમિશનર ડૉ. ઇન્દુરાણી જાખરે આ પુસ્તિકા નું વિમોચન કર્યું હતું તે સમયે તેઓએ ઉપરોક્ત માહિતી આપી હતી.તેમણે આ પ્રસંગે કહ્યું કે વૃક્ષોની ગણના માટે સામાજિક સંસ્થાઓની પણ મદદ લેવામાં આવી છે. આપણા વૃક્ષ વિભાગના તમામ અધિકારી અને કર્મચારીઓએ પણ મહેનત લીધી છે સાથે સાથે આપણા ટાઉન પ્લાનિંગ ઓથોરિટી એ પણ આપણા વિસ્તારમાં વૃક્ષોની સંખ્યા વધે માટે તકેદારી લીધી છે. આ સમયે સમાજ કલ્યાણ તેમજ વૃક્ષ વિભાગના પ્રમુખ સંજય જાદવ, સ્માર્ટ સિટી અધિકારી રોહીણી લોકરે, ભાગવત,જન સંપર્ક અધિકારી માધવી પોફળે તથા અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.