સ્વચ્છતાની શરૂઆત પોતાનાથી કરવી જોઈએ એવું મંતવ્ય કલ્યાણ ડોમ્બિવલી મહાનગરપાલિકા કમિશનર ડૉ.ઈન્દુરાણી જાખરે કલ્યાણ ખાતે કર્યું હતું.મ્યુનિસિપલ કોર્પોરેશન અને પર્યાવરણ તકેદારી બોર્ડના સહયોગથી સ્વચ્છતા હી સેવા અભિયાન હેઠળ, કલ્યાણમાં શાળાના વિદ્યાર્થીઓ માટે આચાર્ય અત્રે રંગમંદિર ખાતે ઘન કચરા જાગૃતિ અને પર્યાવરણ ફિલ્મ ફેસ્ટિવલ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું તે સમયે મ્યુનિસિપલ કમિશનર ડૉ. ઈન્દુ રાણી જાખરે ઉપરોક્ત ઉદગારો કાઢ્યા હતા.
આ કાર્યક્રમની શરૂઆત સ્વચ્છતાના સોગંદ લઈને કરવામાં આવી હતી. ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓને જૈવવિવિધતાનો અનોખો નજારો દર્શાવતી જાગૃતિ દશૉવતી ટૂંકી ફિલ્મો બતાવવામાં આવી હતી.
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ડેપ્યુટી કમિશનર અતુલ પાટીલે જણાવ્યું કે ઘરનો જોખમી કચરો, સેનિટરી વેસ્ટ, પ્લાસ્ટિક વેસ્ટ, સૂકો કચરો અને ભીનો કચરો શું છે? તેને કેવી રીતે અને શા માટે અલગ કરવાની જરૂર છે તેનું નિદર્શન કરીને, વિદ્યાર્થીઓને પ્રશ્નો પૂછવામાં આવ્યા અને વિદ્યાર્થીઓમાં ઘન કચરા વિશે જાગૃતિ કેળવવામાં આવી.
મ્યુનિસિપલ કોર્પોરેશનના એડિશનલ કમિશનર હર્ષલ ગાયકવાડ, એન્વાયર્નમેન્ટલ વિજિલન્સ બોર્ડના મેનેજિંગ ડિરેક્ટર મિલિંદ મરાઠે, એક્ઝિક્યુટિવ એન્જિનિયર પ્રમોદ મોરે, પ્રીતિ ગાડે, પર્યાવરણ તકેદારી બોર્ડ અધિકારી રૂપાલી શાઈવાલે ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમનું સંચાલન દત્તાત્રય લાડવાએ કર્યું હતું. વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી કાર્યક્રમને સારો પ્રતિસાદ આપ્યો હતો.