અંબરનાથ પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે અંબરનાથ પશ્ચિમ વિસ્તારના એક બિલ્ડરે બે શૂટરને પોતાને ગોળી મારવાની સોપારી આપી હતી. અંબરનાથ પોલીસે આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી છે જ્યારે એ વાતનો ખુલાસો થયો છે કે બિલ્ડરે શૂટરને પિસ્તોલથી પોતાના તરફ ફાયર કરવાનું કહ્યું હતું. ધરપકડ કરાયેલા શૂટરોના નામ મોહમ્મદ હુસૈન અને સુખવિંદર સિંહ છે. પોતાને ગોળી મારવા માટે સોપારી આપનાર બિલ્ડરનું નામ કમરુદ્દીન ખાન છે.
બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા બિલ્ડર કમરુદ્દીન ખાન અને નિયાઝ સિદ્દીકી વચ્ચે એક જગ્યા પરથી વિવાદ થયો હતો. બિલ્ડરે નિયાઝ સિદ્દીકીને ગુનામાં ફસાવવા માટે, બિલ્ડર કમરુદ્દીને પોતાને ગોળી મારવાની યોજના ઘડી હતી. રિપોર્ટ અનુસાર, કમરુદ્દીન ખાનને ૨૪ એપ્રિલના રોજ એક અજાણ્યા શૂટરે ગોળી મારી હતી જત્યારે તેઓ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીની ઓફિસમાં બેઠા હતા. જો કે ગોળીબાર કરતી વખતે ગોળી દિવાલો પર વાગી હતી. તેથી તપાસ દરમ્યાન પોલીસને શંકા ગઈ હતી. આ ઉપરાંત શૂટિંગનો સમગ્ર પ્રકાર સીસીટીવીમાં કેદ થયો હતો. આ ઘટનાના સંબંધમાં અંબરનાથ પોલીસે ૬ મે ના રોજ મોહમ્મદ હુસૈન અને સુખવિંદર સિંહની ધરપકડ કરી હતી.
ધરપકડ કરાયેલ શૂટરની પોલીસે વધુ પૂછપરછ કરી હતી ત્યારે તેમણે બિલ્ડર કમરુદ્દીનનુ નામ જણાવ્યું હતું અને તેમણે પોતાના પર ગોળીબાર કરવાનું કહ્યું હતું એવુ જવાબ માં કહ્યું. અને બંન્ને શૂટરોએ પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી. બંન્ને શૂટરો પાસેથી ગુનામાં વપરાયેલી પિસ્તોલ, કેટલાક જીવતા કારતૂસ અને એક બાઇક કબજે કરવામાં આવી હતી. જોકે, કમરૂદ્દીન ખાન હાલમાં ફરાર છે અને પોલીસ તેને શોધી રહી છે, એમ મદદનીશ પોલીસ કમિશનર જગદીશ સાતવેએ જણાવ્યું હતું.



