ભિવંડીમાં, સાત વર્ષની શાળાની છોકરીને આઈસ્ક્રીમની લાલચ આપીને અપહરણ કરવામાં આવ્યું હતું. જો કે, પીડિતા તેના પરિવારને શું બન્યું હતું તેની જાણ કરવાના ડરથી આરોપીએ તેને પથ્થરમારી તેની હત્યા કરી હતી. સરકારી વકીલ સંજય મોરેના જણાવ્યા અનુસાર, બુધવારે ૨૦ એપ્રિલના રોજ થાણેની વિશેષ પોક્સો કોર્ટમાં આરોપીને મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી છે.
થાણે જિલ્લાના ઈતિહાસમાં કદાચ આ પહેલીવાર આવુ બન્યું છે કે પોક્સો કોર્ટે મૃત્યુદંડની સજા સંભળાવી હોય. ફાંસીની સજા પામેલા આરોપીનું નામ ભરતકુમાર ધનીરામ કોરી (ઉંમર ૩૦) છે.
૨૧ ડિસેમ્બર, ૨૦૧૯ શનિવારની રાત્રે નરાધમ ભરતકુમાર દ્વારા એક સાત વર્ષની શાળાની બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું. તે ભિવંડી તાલુકાના ભોઇવાડા પોલીસ સ્ટેશનની બહાર રમતી હતી. ત્યારબાદ તેણીને આઈસ્ક્રીમની લાલચ આપી ઝાડીમાં લઈ જવામાં આવી હતી, ત્યાં તેનાપર બળાત્કાર ગુજાર્યો બાદ તેને પથ્થર મારીને તેની હત્યા કરી હતી ત્યારબાદ આરોપી નાસી ગયો હતો. ૨૨ ડિસેમ્બર, ૨૦૧૯, રવિવારના રોજ સવારે ૬ વાગ્યાની આસપાસ ઝાડીમાં શૌચ કરવા ગયેલા એક વ્યક્તિને તેણીનો મૃતદેહ મળી આવ્યો હતો. આથી તેણે બૂમાબૂમ કરી પીડિત પરિવારને ઘટના વિશે જણાવ્યું હતું. તેથી આ ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી હતી. પોલીસે ભોઇવાડા પોલીસ સ્ટેશનમાં વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી હતી.દસ કલાકમાં જ નરાધમ આરોપી ભરતકુમાર કોરીની ધરપકડ કરવામાં આવી હતી. કેસની તપાસ કર્યા પછી, પોલીસે માત્ર ૧૫ દિવસમાં થાણે જિલ્લા અને સત્ર ન્યાયાલયના વિશેષ પોક્સો કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. લગભગ ૨૫ સાક્ષીઓની તપાસ કરવામાં આવી હતી, જેમાં બે કિશોરનો પણ સમાવેશ થાય છે.
સાક્ષીઓ ઉપરાંત આરોપીનો ડીએનએ રિપોર્ટ પણ મેચ થયો હતો જે મુખ્ય પુરાવો હતો. પરિણામે આરોપીને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી, એમ સરકારી વકીલ સંજય મોરેએ જણાવ્યું હતું. નોંધનીય છે કે બળાત્કાર અને હત્યાનો ગુનો આચરતા આરોપી ભરતકુમાર કોરી પર પહેલાં ઉત્તર પ્રદેશના તેના ગામમાં હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો હતો. પોલીસ તપાસમાં આ વાત પણ સામે આવી છે.
તમામ સાક્ષીઓ અને પુરાવાઓની તપાસ કર્યા પછી, જજ શિરભાતેની વિશેષ પોક્સો કોર્ટે બુધવારે ૨૦ એપ્રિલે આરોપી ભરત કુમાર કોરીને મૃત્યુદંડની સજા સંભળાવી છે.
આ મામલાની તપાસ વરિષ્ઠ પોલીસ નિરીક્ષક કલ્યાણરાવ કાર્પે કરી હતી. પ્રોબેશન ઓફિસર તરીકે પોલીસ કોન્સ્ટેબલ ડી.એ. ટોટેવાડ, પોલીસ કોન્સ્ટેબલ વી.વી.શેવાળેએ કોર્ટમાં સમયાંતરે પુરાવા અને સાક્ષીઓ રજૂ કર્યા હતા.



