કલ્યાણ પૂર્વના ચક્કીનાકામાં માતા અને પુત્રએ મળીને બ્યુટી પાર્લર ચલાવતી મહિલાનુ ખૂન કર્યું હોવાની ઘટના બની છે. મૃતકનું નામ રંજના જયસ્વાલ છે અને તે ચકીનાકા પાસે બ્યુટી પાર્લર ચલાવતી હતી. એવું કહેવાય છે કે મૃતક મહિલાએ તેના ઓળખાણ વાળા અજય રાજભર નામના મિત્રને એક લાખ રૂપિયાની લોન આપી હતી.
આ જ પૈસા માટે મૃતક અજયના ઘરમાં પૈસા લેવા અવાર નવાર જતી હતી અને ઝગડો કરતી હતી. અજયનો ભાઈ વિજય અને માતા લાલસા દેવી આ રોજના ઝઘડાઓથી કંટાળી ગયા હતા. શનિવારે રાત્રે પણ મૃતક મહિલા અજયના ઘરે ગઈ હતી ત્યારે અજય ઘરમાં નોહતો તેથી અજયના પરિવારના સભ્યો વચ્ચે પૈસાને લઈને ઝઘડો થયો હતો અને તે દરમિયાન અજયના ભાઈ વિજય રાજભર અને તેની માતા લાલસા દેવીએ મળીને રંજના જયસ્વાલનુ ખૂન કર્યું હતું.
ખૂન કર્યા બાદ આરોપી વિજય જયસ્વાલ આધારવાડી જેલ પહોંચ્યો હતો અને જેલ કર્મચારી ઓને કહ્યું હતું કે મેં હત્યા કરી છે, મને જેલમાં પૂરો. વિજયની વાત સાંભળીને જેલના કર્મચારીઓ આશ્ચર્યચકિત થઈ ગયા. બાદમાં જેલ પોલીસે કોલસેવાડી પોલીસ સ્ટેશનને ફોન કરીને વિગતો જણાવી હતી, ત્યારબાદ પોલીસે વિજયને તાબામાં લીધો હતો. હાલ કોલસેવાડી પોલીસે માતા લાલસા દેવી અને પુત્ર વિજય રાજભર સામે ખૂનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



