પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ આરોપી સોમનાથ અને તેની પત્ની વંદના ડોમ્બિવલી પૂર્વમાં દત્તનગર વિસ્તારમાં ગાવદેવી મંદિર પાસે રહે છે. છેલ્લા કેટલાક દિવસોથી આરોપી સોમનાથ બેરોજગાર હતો અને તેની પત્નીના ચારિત્ર્ય પર શક કરતો અને પત્ની પર ઘરમાંથી પૈસાની ચોરી કરવાનો આરોપ લગાવતો હતો. જોકે, પત્ની વંદનાએ આરોપી પતિને ઘણી વખત સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમ છતાં તે હેરાન કરતો. જો કે, ૮ ફેબ્રુઆરી, ૨૦૨૨ ના રોજ, પત્ની તેના પતિ વિરુદ્ધ ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન જવા વંદના ઘરની સામે રિક્ષામાં બેસી ત્યારે પાછળથી આવેલા આરોપી પતિ સોમનાથે વંદનાના ગળા, પગ અને હાથમાં ધારદાર છરીના ઘા ઝીંકી દીધા હતા અને ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. ગંભીર રીતે ઘવાયેલી વંદનાને રિક્ષાચાલકે સારવાર માટે હોસ્પિટલમાં લઈ જતા રસ્તામાં પેટ્રોલિંગ કરી રહેલી પોલીસે ઘાયલ મહિલાને તાત્કાલિક ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશનની શાસ્ત્રીનગર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને રામનગર પોલીસ સ્ટેશનમાં વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
પોલીસ છેલ્લા પાંચ દિવસથી આરોપી પતિને શોધી રહી હતી ત્યારે ફરાર આરોપીએ આજે સવારે ૧૦ વાગ્યાના સુમારે દત્તનગર સ્થિત પોતાના ઘરે પિસ્તોલથી પોતાને ગોળી મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પિસ્તોલ કબજે કરી હતી. આરોપી પતિને ગંભીર હાલતમાં ડોમ્બિવલીની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને તેની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. વરિષ્ઠ પોલીસ નિરીક્ષક સચિન સાંડભોરના જણાવ્યા મુજબ, તેણે જે પિસ્તોલમાંથી ગોળી ચલાવી હતી તે ગેરકાયદેસર હતી અને પોલીસે તે પિસ્તોલ આરોપી ક્યારે, કોની પાસેથી લાવ્યો તે અંગેની તપાસ શરૂ કરી છે.


