ડોમ્બિવલીની તિલકનગર પોલીસ દ્વારા ગામમાં જતા મુસાફરની હત્યાનું રહસ્ય ઉકેલી કાઢ્યું છે. મૃતકના ભાગીદાર જે ગામમાં સાથે જઇ રહ્યો હતો તેણે હત્યા કરી અને લૂંટની બનાવટી વાર્તા બનાવી હતી.
આ બાબતે મળેલી માહિતી મુજબ સોમવારે રાત્રે, કલ્યાણ-ઠાકુરલી વચ્ચેના ૯૦ ફૂટ રોડ પર ખંભાલપાડા પાસે બેચનપ્રસાદ હરિનામ ચૌહાણ નામના વ્યક્તિનું ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી. હત્યા બાદ તેની લાશને રેલવે લાઇન પર ફેંકી દેવામાં આવી હતી. તેથી, તિલકનગરની સાથે, ડોમ્બિવલીની લોહમાર્ગ પોલીસ પણ તપાસમાં સામેલ હતી. તિલકનગર ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન બ્રાંચના જણાવ્યા મુજબ, મૃતક બેચનપ્રસાદ ચૌહાણ અને તેનો ભાગીદાર બબલુ પ્રહલાદ ચૌહાણ બંન્ને ગામ જવા નીકળ્યા હતા. ત્યારે બંન્ને નશામાં હતા. રસ્તામાં બંન્ને વચ્ચે કંઇક બાબતે ઝગડો થયો અને તે જ સમયે બબલુએ તેના સાથીની તીક્ષ્ણ હથિયારથી હત્યા કરી. હત્યા બાદ તેણે લાશને રેલવે લાઇન પર ફેંકી દીધી હતી અને ગામમાં ગયા વગર શેલાર નાકા પાસે ત્રિમૂર્તિનગરમાં તેના રૂમમાં પાછો ગયો હતો અને સૂઇ ગયો હતો. બીજા દિવસે સવારે, લૂંટની બનાવટી વાર્તા બનાવ્યા પછી, તે તિલકનગર પોલીસ સ્ટેશન આવ્યો અને ફરિયાદ નોંધાવી. હત્યારા બબલુની બનાવટી વાર્તા પોલીસ સમજી ગઈ હતી અને ક્રાઈમ તપાસ શાખાના પોલીસકર્મીઓએ તેની કડક પૂછપરછ કરતા હત્યાનો પર્દાફાશ થયો હતો. અહેવાલ છે કે બંન્ને મોરાડિયા ઘાટ, થાણા ઘાંઘાટા, ઉત્તર પ્રદેશના સંતકબીર નગરના રહેવાસી છે. બંન્નેએ એક સાથે સુથારનું કામ શરૂ કર્યું હતું અને ઘટનાના દિવસે બંન્ને ગામ તરફ જવા નીકળ્યા હતા. પરંતુ રસ્તામાં બબલુએ તેના ભાગીદાર બેચન પ્રસાદની હત્યા કરી અને લાશને રેલ્વે લાઇન પર ફેંકી દીધી હતી, અને લૂંટની બનાવટી વાર્તા ઉભી કરતા પોલીસે તેનો ઉકેલ કર્યો.



