ઉલ્હાસનગરની જેમ થાણેમાં પણ બિલ્ડિંગ સ્લેબ તૂટી પડવાની ઘટના જોવા મળી હતી. થાણેના રાબોડી વિસ્તારમાં રવિવારે સવારે ૬ વાગ્યે ખત્રી એપાર્ટમેન્ટમાં સી વિંગ બિલ્ડિંગના ત્રીજા માળેથી એક સ્લેબ તુટી પડ્યો અને સીધો ગ્રાઉન્ડ ફ્લોર પર પડ્યો.
આ અકસ્માતમાં રમીઝ શેખ (૩૨) અને ગોસ તંબોલી (૪૦) માર્યા ગયા હતા અને અરમાન તંબોલી (૧૪) ઘાયલ થયા હતા. અકસ્માત બાદ આ બિલ્ડિંગમાંના ૨૪ રૂમ ખાલી કરાવવામાં આવ્યા છે. સ્લેબ તુટી પડી જતાં ત્રણેય સ્લેબ નીચે કચડાઈ ગયા હતા. તેમને થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર બ્રિગેડ અને પ્રાદેશિક આપત્તિ વ્યવસ્થાપન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા બહાર કાવામાં આવ્યા હતા. ઘાયલ થયેલા અરમાનને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે.
થાણેમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ પડી રહ્યો છે અને છેલ્લા બે દિવસમાં થાણેમાં સ્લેબ પડવાની ઘટનાઓ બની છે. ખત્રી એપાર્ટમેન્ટ રાબોડી વિસ્તારમાં આવેલુ ૨૫ વર્ષ જૂનું મકાન છે.
ઘટનાની માહિતી મળતા જ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી ગયા હતા. આ બિલ્ડિંગમાંના અન્ય પરિવારના તમામ સભ્યોને નજીકની ખાનદેશી મસ્જિદમાં ખસેડવામાં આવ્યા છે.


