કલ્યાણની આધારવાડી જેલમાં તપાસ કરી રહેલા પોલીસ અધિકારી પર બે ખૂંખાર કેદીઓએ હુમલો કરી ઇજા પહોંચાડી હતી. હુમલા દરમિયાન કેદીએ અધિકારીને બચાવવા ગયેલા અન્ય પોલીસકર્મી પર પણ હુમલો કરી જખમી કર્યો હતો બંન્ને ઘાયલ પોલીસકર્મીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અહેવાલ છે કે શુક્રવારે સાંજે પોલીસ અધિકારીઓ આનંદ પાનસરે અને ભાઉસાહેબ ગંજવે જેલની અંદર કેદીઓની તપાસ કરી રહ્યા હતા. દરમિયાન કેદીઓ પૈકી મોહમ્મદ અલ્તાફ ઉર્ફે આફતાબ ખાલિદ અને દિલખુશ ઉર્ફે અંકિત મહેન્દ્ર પ્રસાદે પાનસરે પર હુમલો કર્યો હતો.
અધિકારી પર હુમલો જોઈને પોલીસકર્મી ભાઉસાહેબ ગંજવે તેને બચાવવા ગયા, ત્યારબાદ બંન્ને કેદીઓએ તેના પર પેનના તીક્ષ્ણ ભાગથી હુમલો કર્યો અને તેને ઈજા પહોંચાડી હતી. આધારવાડી જેલના સુપ્રિટેન્ડેન્ટ સદાફુલેના જણાવ્યા અનુસાર બંન્ને કેદીઓ સામે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. ખડકપાડા પોલીસે બંન્ને ખૂંખાર કેદીઓ મોહમ્મદ અલ્તાફ ઉર્ફે આફતાબ ખાલિદ અને દિલખુશ ઉર્ફે અંકિત મહેન્દ્ર પ્રસાદ વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ કેસ નોંધીને કેસની તપાસ કરી રહી છે.


