રિક્ષાચાલકોએ યુવતી અને તેના બે મિત્રોને ખુલ્લેઆમ માર માર્યો, મનચલે રિક્ષાચાલક સહિત ૯ ની ધરપકડ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
હાથ જોડીને આજીજી કરવા છતા પણ રિક્ષાચાલકોએ દયા બતાવી નહીં અને તેઓ રસ્તા પર બે યુવક અને એક યુવતીને જાહેરમાં માર મારતા રહ્યા. ઘટના કલ્યાણ પૂર્વના કાટેમાનિવલીની છે. શુક્રવારે મોડી રાત્રે એક યુવતી રીક્ષા દ્વારા ઘરે જઇ રહી હતી. રસ્તામાં રીક્ષાચાલકે યુવતી સાથે ચેનચાળા શરૂ કરી દીધા હતા. યુવતીએ તુરંત જ આ ઘટનાની જાણ તેના મિત્રોને કરી હતી. રાહુલ ગડેકર અને બંટી પ્રધાન નામના બે મિત્રો ત્યાં પહોંચ્યા અને રીક્ષાચાલકને છેડખાની અંગે પૂછ્યું. રિક્ષાચાલક અને યુવતીના બે મિત્રો સાથે વાદ-વિવાદ કરતા રહ્યા. તે દરમિયાન કેટલાક લોકો અને રિક્ષાચાલકો પણ એકઠા થયા હતા. રિક્ષાચાલકના સાથી રિક્ષાચાલકનો પક્ષ લેતા યુવતી અને તેના બંન્ને યુવક મિત્રોને માર માર્યો હતો. યુવક હાથ જોડીને દયાની ભીખ માંગવા છતાં તે લોકોએ તેને બેલ્ટથી માર માર્યો હતો. થોડા સમય બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી મામલો શાંત પાડ્યો હતો.ત્યાર પછી તમામને કોલસેવાડી પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. લાંબા સમય બાદ યુવકોની ફરિયાદના આધારે કોલસેવાડી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાઈ હતી. આ કેસમાં ડીસીપી વિવેક પાનસરે જણાવ્યું હતું કે, ૯ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને આગળની તપાસ હાથ ધરી છે.



