ખૂનનો પ્રયાસ સહિતની અનેક કલમો હેઠળ પોલીસે કેસ દાખલ કર્યો ...
કલ્યાણમાં એક મહિલા ભિખારીને બીજા વિસ્તારમાં ભીખ માંગવી ભારી પડી ગઈ છે. બીજી ભિખારણના પતિએ તેને જોરદાર મારજુડ કરી અને સીડી નીચે ધકેલી દીધી હતી. આ ભિખારણની ફરિયાદના આધારે મહાત્મા ફૂલે પોલીસે રામુ નામના શખ્સ વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે અને તપાસ શરુ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કલ્યાણ પશ્ચિમમાં દિપક હોટલ નજીકના સ્કાય વૉક પર બેઠેલી રીના કમલ શેખ નામની ૩૦ વર્ષીય મહિલા ભીખ માંગતી હતી. તે દરમ્યાન રામ ઉર્ફે રામુ સુરેશ બંડાલકર નામનો ૪૫ વર્ષિય વ્યક્તિ ભિખારણ પાસે આવ્યો હતો અને તેને ધમકી આપી હતી કે આજથી તું આ વિસ્તારમાં ભીખ માંગશે નહીં. આ મારી બીબીનો વિસ્તાર છે અને ફક્ત તેજ અહીં ભીખ માંગશે. હવે પછી હું તને અહીં જોઈશ,તો તને મારી નાખીશ. પોતાની ભૂખ સંતોષવા માટે, રીના થોડીક દૂર જઈને ભીખ માંગવા લાગી. આ સમયે રામુ ચૂપ બેસ્યો નહીં. સોમવારે બપોરે સાડા અગિયાર વાગ્યે ફરી મારજુડ કરતી વખતે, રામુ ફરી એક મહિલા ભિખારીની પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે જો તમારે અહીં ભીખ માંગવી છે તો મને દરરોજ ૨૦૦ રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે ભિક્ષુક મહિલાએ ૨૦૦ રૂપિયા આપવાની ના પાડી ત્યારે તેને ભારે માર જુડ કરવામાં આવી હતી અને સ્કાય વૉક પરથી ધકેલી દેવામાં આવી હતી. રીના નામની ભિખારી ખરાબ રીતે ઘાયલ થઈ હતી. પોલીસે તેનુ નિવેદન લઈ રામુ સામે ખૂનનો પ્રયાસ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે અને આ મામલે તપાસ હાથ ધરી છે.



