કલ્યાણમાં ૭૦ ગેરકાયદે બાંધકામો પર મ્યુનિસિપલ કોર્પોરેશનના બુલડોઝર,વિકાસના કામોમા અડચણરૂપ બાંધકામો
મે 09, 2021
0
કલ્યાણ મહાનગર પાલિકાના ત્રણ વિભાગીય વિસ્તારોમાં બુલડોઝર ચલાવીને ૭૦ ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા. રસ્તા પહોળા કરવા દરમિયાન અવરોધાયેલા બાંધકામ પર આ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસની મદદથી આત્મરામ ભોઇર ચોકથી ઉંબરડે ગાંવ સુધીના માર્ગને પહોળો કરવા માટે ૭૦ ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવ્યા હોવાના અહેવાલ છે. આ કામગીરીમાં ત્રણ વોર્ડ અધિકારીઓ ઉપરાંત ખડકપાડા પોલીસ સ્ટેશનના બે પોલીસ અધિકારીઓ સહિત મહાનગર પાલિકા અને પોલીસ વિભાગના તમામ કર્મચારીઓ હાજર હતા. જનસંપર્ક અધિકારી માધવી પોફળેના જણાવ્યા મુજબ તોડી પાડવામાં આવેલા ૭૦ ગેરકાયદેસર બાંધકામોમાં ૪૫ દુકાન, ૧૧ મકાનો, ૪ ઢાબા, ૫ કમ્પાઉન્ડ દિવાલો, ૪ સ્ક્રેપ શોપ અને ૧ સર્વિસ સેન્ટર શામેલ છે. કમિશનર ડો.વિજય સૂર્યવંશીની સૂચના મુજબ આ કાર્યવાહી કરીને મહાનગર પાલિકાના ૩ વોર્ડ અધિકારીઓએ વિકાસના કામોમાં અડચણરૂપ બની રહેલ અવરોધક બાંધકામો ને હટાવવા કામગીરી બજાવી છે.