સાત સમંદર પાર ઈંગ્લેન્ડ માં બેઠેલા એક ગઠીયા એ કલ્યાણમાં રહેતી ઉચ્ચ શિક્ષિત યુવતીને લગ્ન કરવાની લાલચ આપી તેની પાસે થી રુપિયા ૧૬ લાખ છેતરપીંડી કરી એઠી લીધાનો ગુનો ખડકપાડા પોલીસે નોંધ્યો છે. મહિલાએ કરેલી ફરિયાદ મુજબ પ્રકાશ શર્મા નામના વ્યક્તિએ પોતાને ઇંગ્લેન્ડમાં એમ.ડી. ડૉક્ટર ગણાવ્યા હતા. કલ્યાણમાં રહેતી આ ઉચ્ચ શિક્ષિત યુવતી તેની લાલચમાં આવી ગઈ હતી અને લગ્નના લોભમાં ૧૬ લાખ રૂપિયા ગુમાવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર કલ્યાણના યોગીધામની રહેવાસી ગૌરી શર્મા નામની આ મહિલા નવીમુબઇની એક ખાનગી કંપનીમાં ઉચ્ચ પદ ઉપર નોકરી કરે છે. ગૌરીએ મેટ્રોમોની નામની વેબસાઇટ પર લગ્ન માટે નોંધણી કરાવી હતી. નવેમ્બર ૨૦૨૦ માં, તેની ઓળખ પ્રકાશ શર્મા નામના યુવક સાથે થઈ. પ્રકાશે પોતાને ઇંગ્લેન્ડના લિવરપૂલ સિટીમાં એમ.ડી. ડૉક્ટર હોવાનું જણાવ્યું હતું. તે લગ્ન માટે રાજી થઈ ગયો. તે પછી બંનેએ ચેટ દ્વારા વાત શરૂ કરી. ગત ૨૩ જાન્યુઆરીએ પ્રકાશ એ ગૌરીને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે તે દિલ્હી એરપોર્ટ પર ઉભો છે પરંતુ તેની પાસે સોનું હોવાને કારણે કસ્ટમ વાળાઓએ તેને પકડી લીધો છે. તેનાથી છૂટકારો મેળવવા માટે કેટલાક પૈસા ચૂકવવા પડશે. યુવતીએ નેટ બેંકિંગ દ્વારા પ્રકાશને રૂપિયા ૬૫ હજાર ટ્રાન્સફર કર્યા હતા. તે પછી, ૨૪,૨૫ અને ૨૬ જાન્યુઆરીએ પ્રકાશ એ જુદી જુદી રીતે ચૂનો લગાવી કુલ ૧૬ લાખ ૫૦ હજાર રૂપિયા એઠી લીધા હતા અને મોબાઇલ બંધ કરી ગાયબ થઈ ગયો હતો.
જ્યારે ગૌરીએ તેની સાથે છેતરપીંડી થયાનુસમજાયુ ત્યારે તેણે ખડક પાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલીસ આ મામલે છેતરપીંડી નો ગુનો દાખલ કરી આ ગઠીયાની તપાસ શરુ કરી છે.