Head ads

Type Here to Get Search Results !

Full Advertisement 1

ગણેશમૂર્તિની ઊંચાઈ પર મર્યાદા આવશે?

ગણેશમૂર્તિની ઊંચાઈ પર મર્યાદા હોવી જોઈએ, એવી ચર્ચા ગત શનિવારે રાત્રે ભુલેશ્વર ચા રાજાની બાવીસ ફૂટની મૂર્તિ તૂટી પડ્યાની દુર્ઘટના અને તેમાં બે આશાસ્પદ યુવાનોનાં અપમૃત્યુને પગલે ફરી શરૂ થઈ છે. ગણેશોત્સવ મહારાષ્ટની અને ખાસ તો મુંબઈની શાન છે, પણ આ વખતે વિધ્નહર્તાના આ ઉત્સવ પૂર્વે જ મોટું વિધ્ન આવ્યું છે. ગણપતિ બાપ્પાને રાજા,મહારાજા અને સમ્રાટ જેવાં ઉપનામો આપવા સાથે ગણેશમૂર્તિની ઊંચાઈ વધારવાની ચડસાચડસીને પગલે સ્થિતિ એવી છે કે, એકલા મુંબઈમાં જ ત્રીસ ફૂટથી વધુ ઊંચી પ્રતિમા પધરાવતાં મંડળોની સંખ્યા દસથી પંદર વચ્ચે પહોંચી ગઈ છે. અધધધ ગણાય એવી પંદર ફૂટ ઊંચી મૂર્તિઓ ૬૦ થી વધુ મંડળો લાવે છે, તો વીસ ફૂટની મૂર્તિઓની સ્થાપના કરનારા મંડળોની સંખ્યા દોઢસોની આસપાસ પહોંચી ગઈ છે. ૨૦૦૪માં ગણેશમૂર્તિની ઊંચાઈ ૧૮ ફૂટથી વધુ ન હોવી જોઈએ એવો નિર્ણય સાર્વજનિક ગણેશોત્સવ સમિતિએ લીધો ત્યારે ચારેક વર્ષ સૌ મંડળોએ તેની આમન્યા જાળવી. પણ એ પછી શરુ થયેલી ઊંચી મૂર્તિ બનાવવાની હોડને કારણે બધું જ નિયંત્રણ બહાર જઈ રહ્યું છે. ભુલેશ્વરમાં બનેલી કમનસીબ ઘટના ભલે એકમાત્ર છે, પણ આનું પુનરાવર્તન ન થાય એ જોવાની જવાબદારી સૌની છે.

રસ્તા પરના ખાડા અને ચોમાસા પૂર્વે યોગ્ય રીતે ન થયેલાં સમારકામ કે તોતિંગ મૂર્તિને આધાર આપતા ભાગનું અયોગ્ય વૅલ્ડગ જેવા કારણો ભુલેશ્વરની ઘટના માટે આગળ કરાય છે. તપાસમાં જે કારણ નીકળે તે,પણ ગણેશભક્તો તારણ પર પહોંચ્યા છે, ગણેશમૂર્તિની ઊંચાઈ પર મર્યાદા હોવી જોઈએ. વિસર્જન સ્થળ નજીક હોવાથી ગિરગાંવ ચોપાટીની આસપાસનાં મંડળો જ વિશાળકાય મૂર્તિઓ લાવતા. છેલ્લા એકાદ દાયકામાં તો પરાંમાં અને ગુજરાત તથા દેશનાં અન્ય રાજ્યોમાં પણ મોટી મૂર્તિઓ ઉજવણીનો અવિભાજ્ય અંગ બની ગઈ છે. ગણેશોત્સવમાં નાણાંની રેલમછેલ અને સ્પર્ધા એટલી હદે વધી ગઈ છે કે, દરેક મંડળ મોટી મૂર્તિ લાવવા માગે છે. મૂર્તિકારો પણ સાહસિક બન્યા છે અને ટેકનૉલૉજીની મદદથી તેઓ જાત-ભાતની બૅલેન્સગ મૂર્તિઓ સાકારતા થયા છે. કોરોના કાળમાં બે વર્ષ ઓછી ઊંચાઈની મૂર્તિઓ ફરજિયાત બની ત્યારે નાની પ્રતિમાઓમાં પણ ગજબનું વૈવિધ્ય મળ્યું હતું.વળી, વિસર્જન બાદ સમુદ્ર, નદી, સરોવરો કે કૂવામાં પ્લાસ્ટર અૉફ પૅરિસ અને ખાસ તો ઝેરી રંગો ધરાવતી મૂર્તિઓનું વિસર્જન જલસ્ત્રોતોને તથા જીવસૃષ્ટિને નુકસાન કરે છે. રાજકારણીઓ આમ છતાં દર વર્ષે એવું કહે છે કે, આ વર્ષે તો પીઓપીની પ્રતિમા પર પ્રતિબંધ લાવવાનું શક્ય નથી. મોટી પ્રતિમાઓનું વિસર્જન પણ પૂર્ણપણે શક્ય નથી. એ બધા જ જાણે છે. સરકાર મૂર્તિની ઊંચાઈ બાબતે મર્યાદા લાદે એવી શક્યતા નહીંવત છે, આથી હવે મંડળો અને સમન્વય સમિતિએ જ કોઈ નિર્ણય લેવો પડશે, કેમ કે આ ઘટનાની નોંધ અદાલત જરૂર લેશે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads