Head ads

Type Here to Get Search Results !

Full Advertisement 1

વિશ્વ ગુજરાતી ભાષા દિવસની ભવ્ય ઉજવણી : ભાષાસૃષ્ટિનો સુગંધિત ઉત્સવ -માતુશ્રી જમનાબાઈ ભગવાનદાસ કન્યા વિદ્યાલય કલ્યાણ.

“શબ્દે શબ્દે સંસ્કાર ઝળકે, અક્ષરે અક્ષર પ્રેમ;

ગુજરાતી ભાષા છે અમૃતવાણી, ગુજરાતની શાન અને બાન”

તા. ૨૪ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ શ્રી બૃહદ્ ગુજરાતી એજ્યુકેશન સોસાયટી સંચાલિત માતુશ્રી જમનાબાઈ ભગવાનદાસ કન્યા વિદ્યાલયમાં "વિશ્વ ગુજરાતી ભાષા દિવસ"ની ભવ્ય અને ગૌરવમય ઉજવણી કરવામાં આવી. ગુજરાતી ભાષાના આદ્ય કવિ શ્રી નર્મદની જન્મજયંતિના પાવન અવસરે શાળાનું પ્રાંગણ શબ્દોના શણગારથી, સાહિત્યના સૌંદર્યથી અને માતૃભાષાના મમત્વથી મહેકી ઊઠ્યું હતું.

કાર્યક્રમની શરૂઆત જ્ઞાનજ્યોતિના પ્રાગટ્ય અને માતા સરસ્વતીના વંદન સાથે થઈ. જાણે શબ્દોની સરસ્વતી આજે વિદ્યાલયના આંગણે અવતરી હોય તેવી અનુભૂતિ સૌને થઈ રહી હતી. વિદ્યાર્થિનીઓએ સ્વાગતગીત, કવિ શ્રી નર્મદની જીવનગાથા, ગુજરાતી ભાષાની વિશેષતા જેવી સાહિત્યિક રજૂઆતો સાથે ગુજરાતી ભાષાના મહિમાને વર્ણવતાં કાર્યક્રમો રજૂ  કર્યાં. વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રસ્તુત આ સર્વ કૃતિઓથી ઉપસ્થિત સૌએ હૃદયમાં ગુજરાતી હોવાની ગર્વની લાગણીની અદભુત અનુભૂતિ મેળવી.ગુજરાતી સાહિત્યના અગ્રણી સર્જકોના જીવન-કાર્યને ઉજાગર કરતી પ્રદર્શનીએ જ્ઞાનનો ઝરૂખો ખોલ્યો હતો .નર્મદ, કલાપી, ઝવેરચંદ મેઘાણી, પન્નાલાલ પટેલ અને અન્ય સાહિત્યકારોની કૃતિઓએ વિદ્યાર્થીનીઓને ગુજરાતી ભાષાના વૈભવ સાથે પરિચિત કરાવ્યા હતા.

શાળાની વિદ્યાર્થીની બહેનોએ પ્રસ્તુત કરેલી ‘ચારણ કન્યા’ નાટ્યકૃતિએ સૌના હૃદયને સ્પર્શી લીધાં હતાં. ચારણ સંસ્કૃતિની શૌર્યગાથા, નારીશક્તિ, સ્વાભિમાન અને વીરતાના મૂલ્યોને જીવંત કરતી આ નાટ્યરજૂઆતમાં વિદ્યાર્થીનીઓએ પોતાના અભિનય, સંવાદ અને ભાવાભિવ્યક્તિ દ્વારા અદભુત છટા પાથરી હતી. તેમની કલાત્મક રજૂઆત જાણે ઇતિહાસના પાનાંને વર્તમાનના મંચ પર જીવંત કરી ગઈ હોય તેવી અનુભૂતિ કરાવતી હતી. પ્રેક્ષકો તાળીઓના ગડગડાટથી વિદ્યાર્થીનીઓના ઉત્કૃષ્ટ અભિનયને વધાવી રહ્યા હતા.આ સાથે જ બહેનોએ રજૂ કરેલી રાસ-ગરબાની રમઝટે સમગ્ર વાતાવરણને ગુજરાતી સંસ્કૃતિના રંગે રંગી દીધું હતું. તાલબદ્ધ પગલાં, મધુર સંગીત અને મનમોહક અદાઓ સાથે બાળાઓએ પરંપરાગત ગરબાની સુંદર ઝલક રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. તેમની ઉત્સાહભરી રજૂઆતથી સમગ્ર પ્રાંગણ ‘વાહ!’ના ઉદ્ગાર  ગુંજી ઉઠ્યા હતાં.

ભાષોત્સવના આ સુંદર સાહિત્યિક કાર્યક્રમમાં મુખ્ય અતિથિનું સ્થાન સંસ્થા સંચાલિત આર.એસ.જી.કે.આર.વિદ્યાલયના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને નિષ્ણાત ડૉ. શ્રી નિમિષભાઈ જીતેશભાઈ લાખાણીએ  શોભાવ્યું હતું. આ શુભ પ્રસંગે સંસ્થા શ્રી બૃહદ્ ગુજરાતી એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ શ્રી મહેશભાઈ પાઠક, ઉપપ્રમુખ એડવોકેટ શ્રી દિપકભાઈ ભટ્ટ, સહમંત્રી શ્રી બીપીનભાઈ સૂચક, કો. ઑપ્ટ સભ્ય અને આર.એસ.જી. કે. આર.વિદ્યાલયના ભૂતપૂર્વ આચાર્યા શ્રીમતી અંજનાબેન જોશી, શ્રી તરુણ ગુજરાતી મંડળના પ્રમુખ શ્રી જયેશભાઈ કારિયા, શ્રી ગુજરાતી બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રીમતી અરુણાબેન રાવલ, માતૃભાષા ગુજરાતી પ્રસાર મંચ મુલુંડના પ્રમુખ શ્રી લાલજી સર, રોટરી ક્લબ ઓફ અંબરનાથના પ્રમુખ અને શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીની શ્રીમતી ડિમ્પલબેન શાહ, શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીની અને ભૂતપૂર્વ શિક્ષિકા શ્રીમતી આશાબેન અનારકટ , શ્રીમતી સ્મિતાબેન જેઠવા, શ્રીમતી સંગીતાબેન મજેઠીયા, શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીની શાળાના ગરબાના કોરીયોગ્રાફ  CA કુ. ઈલાબેન પોપટ, ભૂતપૂર્વ વિદ્યાર્થીની અને બીજેપીના સક્રિય કાર્યકર્તા અને શાળાના દાતા શ્રીમતી ભાવનાબેન મનરાજા, પ્રજારાજના તંત્રી શ્રી રવિ કુમાર ચૌધરી, શાળાના દાતા શ્રી સંજયભાઈ મોદી, દાતા શ્રીમતી ઉષાબેન પીઠડીયા, સંસ્થા સંચાલિત આર.બી. કારિયા ઇંગ્લિશ સ્કૂલના મુખ્યાધ્યાપિકા શ્રીમતી દિપાલીબેન રાજપૂત, એમ.કે.ગાંધી પ્રાથમિક શાળાના મુખ્યાધ્યાપિકા, શ્રીમતી દક્ષાબેન સૂચક, સોઢા બાલમંદિરના મુખ્યાધ્યાપિકા શ્રીમતી વંદનાબેન એકબોટે , સંસ્થાના ક્લાર્ક શ્રીમતી રીનાબેન ભટ્ટ અને વાલીગણ આ સર્વેની અમૂલ્ય ઉપસ્થિતિથી કાર્યક્રમમાં ચાર ચાંદ લાગી ગયા.

માતૃભાષાના જતન અને સંવર્ધન માટે સાથે સદૈવ પ્રયત્નશીલ રહેનાર ગુર્જરપ્રેમી શુભેચ્છકોએ પણ વિદ્યાર્થીની બહેનોને શુભાશીર્વાદ આપ્યા હતા. આ સાથે જ વિદ્યાર્થીની બહેનોના સુંદર  પ્રસ્તુતિકરણને નિહાળી તેમને પ્રોત્સાહિત કરવા માનવંતા મહાનુભાવો દ્વારા રોકડ ઈનામોનો વર્ષાવ પણ કરવામાં  આવ્યો હતો.

આ પ્રસંગે મુખ્ય મહેમાનશ્રીએ જણાવ્યું કે માતૃભાષા એ માત્ર ભાષા નથી, પરંતુ આપણી ઓળખ, આપણી અસ્મિતા અને આપણી સંસ્કૃતિનો અખૂટ ભંડાર છે.

સંસ્થાના  પ્રમુખ શ્રી મહેશભાઈ પાઠક અને ઉપપ્રમુખ શ્રી દિપકભાઈ ભટ્ટએ વિશ્વ ગુજરાતી ભાષા દિવસની શુભેચ્છા આપતા પોતાના વક્તવ્યમાં શાળા પરિવારના પરિશ્રમ, વિદ્યાર્થીની બહેનોની સર્જનશીલતાને વખાણી હતી. તેમજ માતૃભાષાના આ વૈભવ શાળી વારસાનું જતન કરી, તેને આગળની  પેઢી સુધી પહોંચાડવાના  ઉમદા કાર્યમાં યોગદાન આપવાની ઉપસ્થિત સર્વેને હાંકલ કરી હતી.

શાળાના આચાર્યશ્રીએ વિદ્યાર્થીનીઓને ગુજરાતી ભાષાના સંવર્ધન અને સંરક્ષણ માટે સતત પ્રયત્નશીલ રહેવા પ્રેરણા આપી.

“ગુજરાતી ગૌરવની ગંગા, સંસ્કૃતિનું સરનામું;

માતૃભાષાના મધુર સ્વરે ઝળહળ્યું શાળાનું આંગણું.”

સમગ્ર કાર્યક્રમ દરમિયાન ગુજરાતી ભાષાનો મહિમા ગુંજી રહ્યો હતો. ક્યાંક કાવ્યના કલરવ સંભળાતા હતા તો ક્યાંક વક્તૃત્વના વજ્રસ્વર ગાજી રહ્યા હતા. અક્ષર અને અભિવ્યક્તિના આ અનોખા મહોત્સવે દરેકના હૃદયમાં માતૃભાષા પ્રત્યે ગૌરવની જ્યોત પ્રગટાવી.

“ભાષા નહીં, ભાવ છે ગુજરાતી;

અક્ષર નહીં, અસ્તિત્વ છે ગુજરાતી.

માતૃભાષાના મીઠા મર્મથી,

જીવનનું સંગીત છે ગુજરાતી.”

અંતે મુખ્ય મહેમાન શ્રી નિમિષભાઈના મધુર કંઠે ગવાયેલા અદભુત સુંદર ગીતો અને શાયરીઓએ અને વિશેષ મહેમાન શ્રી સંજયભાઈ મોદી દ્વારા રજૂ થયેલ લોકગીતએ પણ ઉપસ્થિત શ્રોતાઓનું મન મોહી લીધું.  અંતે આભારવિધિ સાથે કાર્યક્રમનું સમાપન થયું. વિશ્વ ગુજરાતી ભાષા દિવસની આ ઉજવણી શબ્દોની સુવાસ, સંસ્કૃતિની સૌરભ અને માતૃભાષાના મમતામય સ્પર્શથી સભર એક અવિસ્મરણીય ઉત્સવ બની રહી.

“માતૃભાષા તો મમતા, સંસ્કાર અને સંસ્કૃતિની સુગંધથી મહેકતું હૃદય છે; તેને જીવંત રાખવું એ આપણી સૌની સહિયારી જવાબદારી છે.”

      ટૂંકમાં શ્રી બૃહદ્ ગુજરાતી એજ્યુકેશન સોસાયટીના ૭૫ વર્ષથી ચાલી રહેલા માતૃભાષા સંવર્ધનના અથાગ  પ્રયત્નથી,સંસ્થા સંચાલિત એમ. જે. બી. કન્યા વિદ્યાલયમાં, દીર્ઘદૃષ્ટિપૂર્ણ નેતૃત્વ અને વિદ્યાર્થીનીઓ માટે પ્રેરણાના પથદર્શક એવા આચાર્યા શ્રીમતી સોનાબેન આચાર્યના કુશળ માર્ગદર્શન હેઠળ, સમગ્ર શાળા પરિવારના સમર્પિત સહયોગ, વાલીગણના સ્નેહસભર સાથ અને શુભેચ્છકોની હાર્દિક શુભકામનાઓથી વિશ્વ ગુજરાતી ભાષા દિવસની ઉજવણી જ્ઞાન, ગૌરવ અને ગુજરાતી સંસ્કૃતિની સુગંધથી મહેકતી બની રહી. આ સમગ્ર આયોજન જાણે માતૃભાષાના મસ્તક પર મોરપીંછ સમાન ગૌરવનો તાજ બનીને શાળાની સ્મૃતિપટ પર અંકિત થઈ ગયું.

“ગુજરાતી ગૌરવની ગાથા, હૈયે હૈયે ગુંજતી રહે;

માતૃભાષાની મીઠી મહેક, પેઢી દર પેઢી વિસ્તરતી રહે.”

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads