અંબરનાથ તાલુકા વિસ્તારમાં છેલ્લા દોઢ-બે મહિનાથી આતંક મચાવતો દીપડો હવે માનવ વસાહતોમાં ઘુસી ગયો છે. ગઈ કાલે રાત્રે અંબરનાથના ઓર્ડનન્સ ફેક્ટરી એસ્ટેટ વિસ્તારમાં CCTV કેમેરામાં દીપડો કેદ થયો હતો. જેથી હવે વન વિભાગે આ વિસ્તારના નાગરિકોમાં જાગૃતિ લાવવાનું શરૂ કર્યું છે. અંબરનાથ અને કલ્યાણ તાલુકાના જંગલ વિસ્તારોમાં દીપડા જોવા મળ્યા હતા. દીપડાએ કેટલાક ગામોમાં બકરા અને વાછરડાનો પણ શિકાર કર્યો હતો.
દીપડો શિકાર કરીને જંગલમાં પાછો ફરતો હોવાથી વન વિભાગે તેને પકડવાનો કોઈ પ્રયાસ કર્યો નોહતો. જો કે હવે દીપડો સીધો માનવ વસ્તીમાં ઘુસી ગયો છે. વન વિભાગના નિયમો અનુસાર, જ્યાં સુધી દીપડા માનવ વસવાટ પર આક્રમણ ન કરે ત્યાં સુધી પાંજરા ગોઠવી શકાય નહીં. દીપડો માનવ વસાહતમાં ઘુસી ગયો હોવાથી હવે વન વિભાગ હાઈ એલર્ટ પર છે. વન વિભાગ હવે નાગરિકોને દીપડો માનવોને નુકસાન ન પહોંચાડે માટે સાવચેતીનાં પગલાં લેવા વિનંતી કરી રહ્યું છે.


