ડોમ્બિવલી પૂર્વમાંના પાથર્લી સ્મશાનમાં ગૅસ શબદાહીનીમાં અચાનક વિસ્ફોટ થતાં સ્મશાન સ્ટાફના એક સભ્યને ગંભીર ઈજા થઈ હતી. ઘાયલ કર્મચારી, ગોપાલ અડસુલ (૫૧) હાલ કલવાની છત્રપતિ શિવાજી મહારાજ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે કારણ કે કડોમપાની ડોમ્બિવલી શાસ્ત્રીનગર હોસ્પિટલમાં ડૉક્ટરોજ ઉપલબ્ધ નોહતા.
મળેલી માહિતી મુજબ શનિવાર, ૨૦ નવેમ્બરના રોજ લગભગ રાત્રે ૧૧ વાગ્યે ડોમ્બિવલીના પાથર્લી સ્મશાનમાં અંતિમ સંસ્કાર માટે મૃતદેહ લાવવામાં આવ્યો હતો. ગૅસ શબદાહીની દ્વારા તેનો અંતિમ સંસ્કાર કરવામાં આવનાર હતો. જોકે, છેલ્લા કેટલાક દિવસોથી ટેક્નિકલ ખામીના કારણે સ્મશાનગૃહની શબ દાહીનીના બટન અને લાઈટર બંધ થઈ ગયા હતાં. જે માત્ર સ્ટાફ માટે જ નહીં પરંતુ અંતિમ સંસ્કાર માટે આવેલા લોકો માટે પણ ખૂબ જ જોખમી હતું. જો કે, આ જોખમ લઈને ગોપાલ અડસુલે સળગતું કપડું દફનવિધિ માટે શબદાહીનીની અંદર ફેંકી દીધું અને તે જ ક્ષણે ગૅસનો જોરદાર વિસ્ફોટ થયો અને અડસુલ ગંભીર રીતે તેમા દાઝી ગયો.
આઘાતજનક ઘટના પછી, સ્મશાનના અન્ય સ્ટાફ અને કેટલાક નાગરિકો અડસુલને કેડીએમસીની શાસ્ત્રીનગર હોસ્પિટલમાં લઈ ગયા. જોકે, પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે ડૉક્ટર ઉપલબ્ધ ન હોવાથી તેમને કલવા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જોકે, આ કર્મચારીની અસલી અગ્નિપરીક્ષા હોસ્પિટલમાં થઈ હતી. અડસુલને હોસ્પિટલમાં લઈ જવાયા ત્યારે હોસ્પિટલમાં સારવાર માટે તબીબો ઉપલબ્ધ નોહતા. વંચિત મોરચાના કાયૅકરોઓએ આક્ષેપ કર્યો છે કે અન્ય દર્દીને પહોંચાડવા માટે હોસ્પિટલમાં સાદી એમ્બ્યુલન્સ પણ ઉપલબ્ધ નથી. આ ઘટનાને કારણે કલ્યાણ- ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશનની આરોગ્ય સેવા ખોરવાઈ ગઈ છે તેવુ સ્પષ્ટ થાય છે.
આ ચોંકાવનારી ઘટનાએ સ્મશાનમાંની ગૅસ શબદાહીની અને તેની સુરક્ષાને લઈને અનેક સવાલો ઉભા કર્યા છે. લગભગ ૧૦ દિવસથી ટેકનિકલ ખામી હોવા છતાં આ ગેસ સ્મશાનનું સમારકામ કેમ કરવામાં આવ્યું નથી? શું કડોમપાના સંબંધિત વિભાગને આ વિશે જાણ કરવામાં આવી હતી? જો માહિતી આપવામાં આવી છે તો આ ટેકનિકલ ખામી કેમ દૂર કરવામાં આવી નથી? જેવા અનેક ગંભીર પ્રશ્નો આ ઘટના બાદ ઉભા થયા છે.


