ડોમ્બિવલીમાં ૧૪ વર્ષની સગીર બાળકીની હત્યા કર્યાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ કેસમાં તેના કાકાને હાથકડી લગાવાઈ છે. ડોમ્બિવલી રામનગર પોલીસે આરોપી કાકા મયુરેશ સફલિંગાની ધરપકડ કરી છે. તેમના પર આરોપ છે કે કાકાએ માનેલા ભત્રીજા સાથે ભત્રીજીનો પ્રેમસંબંધ હોવાની આશંકાએ તેની ભત્રીજીને ઢોર માર મારી મોત નિપજાવ્યું હતુ.
સફલિંગા પરિવાર ડોમ્બિવલીના પૂર્વ ભાગમાં ત્રિમૂર્તિ નગર વિસ્તારમાં રહે છે. મહેશ સફલિંગા તેમની પત્ની આરતી, ૧૪ વર્ષની પુત્રી રોશની, મહેશના ભાઇ, આરોપી મયુરેશ અને કથિત માનેલા ભત્રીજા શંકર તેમના પરિવારમાં છે. મયુરેશને શંકર અને રોશની વચ્ચેના સંબંધની શંકા હતી.
૧૭ જૂનની સવારે મયુરેશે તેના ભાઇ મહેશને પૂછ્યું કે શા માટે શંકર લાઇટની બાજુમાં સૂતો હતો. જો કે રોશની અને શંકરે સ્પષ્ટપણે આ આરોપોને નકારી કાઢયા હતા. પણ મયુરેશ સાંભળવાના મૂડમાં નહોતો. સવારે સાત વાગ્યે તે રિક્ષામાં ઘરે પરત આવ્યો ત્યારે તેણે શંકરને માર મારવાનું શરૂ કરી દીધું હતું.
એટલું જ નહીં, પરંતુ ૧૪ વર્ષની રોશનીને પણ માર માર્યો હતો અને તેને ઘરની બહાર લઈ તેના માથાને દરવાજા સાથે ટકરાવતાં રોશની ગંભીર રીતે ઘવાઈ હતી. રોશનીને ઇજા થતાં તેની માતા અને કાકા તેને હોસ્પિટલમાં લઈ ગયા હતા. હોસ્પિટલમાં સારવાર બાદ રોશનીને ઘરે લાવવામાં આવી હતી. ફરી તે બેભાન થઈ ગઈ. જ્યારે તેણીને ડૉક્ટર પાસે લઈ જવામાં આવી ત્યારે ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી.
કાકા મયુરેશે તેના ભત્રીજી રોશનીને માર માર્યો હતો. કાકા મયુરેશની હત્યાના આરોપમાં રામનગર પોલીસે ધરપકડ કરી છે.



