ત્રેતાયુગનો જે દિવસે આરંભ થયો, તે દિવસ વેશાખ સુદ પક્ષ ત્રીજ એટલે કે અખાત્રીજ છે. જે દિવસે એક યુગનો અંત થઈને બીજા યુગનો આરંભ થાય છે, તે દિવસનું હિંદુ ધર્મશાસ્ત્રમાં અનન્ય સાધારણ મહત્ત્વ હોય છે. આ દિવસથી એક ક્લેશદાયક કાળનો અંત અને બીજા યુગના સત્યયુગનો આરંભ, આવો અવસર સાધ્ય થતો હોવાથી આ સંપૂર્ણ દિવસને મુહૂર્ત કહે છે. આમ તો મુહૂર્ત કેવળ એક ક્ષણ દ્વારા જ સાધ્ય કરી શકાય છે; પરંતુ સંધિકાળને કારણે તેનું પરિણામ ૨૪ કલાકો સુધી કાર્યરત રહેતું હોવાથી તે સંપૂર્ણ દિવસને શુભ માનવામાં આવે છે. તેથી અખાત્રીજ ને ‘સાડાત્રણ મુહૂર્તમાંનો એક મુહૂર્ત’ માનવામાં આવે છે.
અખાત્રીજની તિથિ પર જ હયગ્રીવ અવતાર, નરનારાયણ પ્રગટીકરણ તેમ જ પરશુરામ અવતારો થયા. આના દ્વારા અક્ષય તૃતીયા તિથિનું મહત્ત્વ ધ્યાનમાં આવે છે. આ વેળાએ કોરોનાની પાર્શ્વભૂમિ પર અનેક ઠેકાણે આ તહેવાર હંમેશાંની જેમ ઊજવવામાં મર્યાદાઓ આવી શકે છે. આ લેખમાં કોરોનાના સંકટકાળમાં પ્રતિબંધો વચ્ચે પણ અક્ષય તૃતીયા કેવી રીતે ઊજવવી, એ પણ આપણે સમજી લેવાના છીએ.
તહેવાર ઊજવવાની પદ્ધતિ
કાળ સંદર્ભમાં કોઈપણ પ્રારંભ દિવસ ભારતીઓ માટે હંમેશા પવિત્ર હોય છે. એટલા માટે આવી તિથિ પર સ્નાન, દાન ઇત્યાદિ ધર્મકૃતિઓ કરવાનું કહે છે. આ દિવસનો વિધિ આ પ્રમાણે છે – પવિત્ર જળથી સ્નાન, વિષ્ણુની પૂજા, જપ, હોમ, દાન અને પિતૃતર્પણ. એમ કહેવાય છે કે, આ દિવસે અપિંડક શ્રાદ્ધ કરવું જોઈએ તથા જો ન બને, તો ઓછામાં ઓછું તલ તર્પણ કરવું જોઈએ. આ દિવસે તડકા સામે રક્ષણ કરે તેવી વસ્તુઓ જેવી કે, છત્રી, ચંપલ ઇત્યાદિ પણ દાન કરવી જોઈએ.
ભગવાન શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને કહેલું છે કે, ‘હે યુધિષ્ઠિર, આ તિથિએ કરવામાં આવેલું દાન અને હવનનો ક્ષય થતો નથી’. એટલા માટે મુનિઓ આને ‘અક્ષય-તૃતીયા’ કહે છે. દેવતા અને પિતરને ઉદ્દેશીને આ તિથિએ જે કાંઈ કર્મ કરવામાં આવે છે એ બધા જ અક્ષય (અવિનાશી) થાય છે. નિરંતર સુખ અને સમૃદ્ધિ પ્રદાન કરનારા દેવતાઓ પ્રત્યે અખાત્રીજના દિવસે કૃતજ્ઞતાનો ભાવ રાખીને કરવામાં આવતી ઉપાસનાને લીધે આપણા પર થઈ રહેલી તે દેવતાની કૃપાદૃષ્ટિનો કદીપણ ક્ષય થતો નથી.
અખાત્રીજના શુભ દિવસે સત્પાત્રે દાન શા માટે કરવું ?
દાનથી પુણ્ય મળે છે. આ દિવસે આપેલા દાનનો કદીપણ ક્ષય થતો નથી. જ્યારે પુણ્યનું પ્રમાણ વધી જાય છે ત્યારે તે વ્યક્તિ દ્વારા પાછલા જીવન અથવા જન્મમાં થયેલા પાપકર્મ ક્ષીણ થાય છે અને તેના પુણ્યનો સંચય વધે છે. પુણ્યથી વ્યક્તિને સ્વર્ગપ્રાપ્તિ થઈ શકે છે; પણ સાધકોને પુણ્ય પ્રાપ્ત કરીને સ્વર્ગપ્રાપ્તિ કરવાની હોતી નથી, પરંતુ ઈશ્વરપ્રાપ્તિ કરવાની હોય છે. તેથી સાધકોએ સત્પાત્રે દાન કરવું આવશ્યક હોય છે. સત્પાત્રે દાન કરવાથી દાનનું કર્મ એ અકર્મ કર્મ (અકર્મ કર્મ એટલે પાપ-પુણ્યનો હિસાબ લાગુ ન પડવો) થવાથી સાધકની આધ્યાત્મિક ઉન્નતિ થાય છે, એટલે જ તે સ્વર્ગલોકમાં જવાને બદલે તેનાથી આગળના ઉચ્ચ લોકોમાં જાય છે. સંતોને અથવા સમાજમાં ધર્મનો પ્રસાર કરનારી આધ્યાત્મિક સંસ્થાને દાન કરવું, એ સત્પાત્રે દાન છે.
કોરોનાના અનુષંગે આપદ્ધર્મના ભાગ તરીકે અક્ષય તૃતીયાના દિવસે આગળ જણાવેલી કૃતિઓનું આચરણ કરી શકાય
સાડાત્રણ મુહૂર્તોમાંથી એક પૂર્ણ મુહૂર્ત રહેલા અક્ષય તૃતીયા (અખાત્રીજ)ના દિવસે તલતર્પણ કરવું, ઉદકુંભદાન (ઉદકકુંભદાન) કરવું, મૃત્તિકા પૂજન કરવું, તેમજ દાન દેવાનો પ્રઘાત (ધારો) છે. તેની પાછળ રહેલું અધ્યાત્મશાસ્ત્ર આપણે સમજી લઈએ. સદર લેખમાં વિશદ કરેલું આ અધ્યાત્મશાસ્ત્ર ધર્મ દ્વારા સર્વસામાન્ય સમય માટે કહ્યું છે. બધું જ અનુકૂળ હોય અને ધર્મ પ્રમાણે આચરણ કરી શકાય, તેને ‘સંપત્કાળ’ કહે છે.
અહીં એક મહત્ત્વનું સૂત્ર એમ છે કે, હિંદુ ધર્મએ આપત્કાળ માટે ધર્માચરણમાં કેટલાક પર્યાય કહ્યા છે. તેને ‘આપદ્ધર્મ’ કહે છે. આપદ્ધર્મ એટલે ‘आपदि कर्तव्यो धर्मः । અર્થાત્ વિપદામાં આચરવા જેવો ધર્મ. વર્તમાનના કોરોના પ્રાદુર્ભાવની પાર્શ્વભૂમિ પર સંપૂર્ણ દેશમાં લૉકડાઊન છે. આ સમયગાળામાં અખાત્રીજ આવતી હોવાથી સંપત્કાળમાં કહેલી કેટલીક ધાર્મિક કૃતિઓ આ સમયે કરી શકાશે નહીં.
આ દૃષ્ટિએ સદર લેખમાં ધર્માચરણ તરીકે શું કરી શકાશે, તેનો વિચાર પણ કરવામાં આવ્યો છે. અહીં મહત્ત્વનું સૂત્ર એમ છે કે, હિંદુ ધર્મએ કયા સ્તર પર જઈને માનવીનો વિચાર કર્યો છે, આ વાત શીખવા મળે છે. તેમાંથી હિંદુ ધર્મનું એકમેવાદ્વિતીયત્વ રેખાંકિત થાય છે.
કોરોનાના પ્રાદુર્ભાવથી હમણા આપણે ઘર-બહાર નીકળી શકતા નથી. તેના અનુષંગે આપદ્ધર્મના ભાગ તરીકે આગળ જણાવેલી કૃતિઓ કરી શકાશે
૧. પવિત્ર સ્નાન
આપણે ઘરમાં જ ગંગાજીનું સ્મરણ કરીને સ્નાન કરવાથી ગંગાસ્નાનનો આપણને લાભ થશે. તે માટે આગળ જણાવેલો શ્લોક બોલીને સ્નાન કરવું गंगे च यमुने चैव गोदावरि सरस्वति। नर्मदे सिंधु कावेरी जलेस्मिन् सन्निधिं कुरु ।
૨. સત્પાત્રે દાન - વર્તમાનમાં વિવિધ ઑનલાઈન સુવિધાઓ ઉપલબ્ધ છે. તો અધ્યાત્મપ્રસાર કરનારા સંતો અથવા આવી સંસ્થાઓને આપણે ઑનલાઈન અર્પણ આપી શકીએ. ઘરેથી જ અર્પણ આપી શકાય છે.
૩. ઉદકુંભનું દાન - અખાત્રીજના દિવસે ઉદકુંભ દાન કરવું, એવું શાસ્ત્ર છે. આ દિવસે આ દાન કરવા માટે બહાર નીકળવું સંભવ ન હોય તો અખાત્રીજના દિવસે દાનનો સંકલ્પ કરવો અને સરકારી નિયમો અનુસાર જ્યારે બહાર નીકળવું સંભવ બને, ત્યારે જ દાન કરવું.
૪. પિતૃતર્પણ - પિતરોને પ્રાર્થના કરીને ઘરેથી જ પિતૃતર્પણ કરી શકાશે.
૫. કુળાચાર અનુસાર અખાત્રીજના દિવસે કરવામાં આવનારી ધાર્મિક કૃતિઓ - ઉપર જણાવેલી કૃતિઓ ઉપરાંત કુળાચાર અનુસાર અખાત્રીજના દિવસે જો તમે અન્ય કેટલીક ધાર્મિક કૃતિઓ કરતા હોવ, તો તે વર્તમાન સરકારી નિયમો અનુસાર કરી શકાશે કે કેમ, તે જોવું.
સંદર્ભ : સનાતન સંસ્થાનો ગ્રંથ ‘તહેવાર, ધાર્મિક ઉત્સવ અને વ્રતો’