ડોમ્બિવલીમાં માનપાડા પોલીસે એક ટોળકીનો પર્દાફાશ કર્યો છે જે ધુલેના આદિવાસી વિસ્તારમાંથી ગાંજો ખરીદી કરી અને અહી સપ્લાય કરતી હતી. ડોમ્બિવલીના રહેવાસી આરોપી આનંદ શંકર દેવકર પાસેથી ૩ લાખ ૧૦ હજાર ૫૦૦ રૂપિયાનો સામાન જપ્ત કરવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે આ ઇસમ કોલેજના વિદ્યાર્થીઓને ગાંજો સપ્લાય કરતો હતો.
આ કેસમાં રામ નગર રોડના રહેવાસી આનંદ શંકર દેવકર, શિરપુરના રહેવાસી રહેમલ પાવરા અને સંદીપ પાવરાની ધરપકડ કરવામાં આવી છે. મુખ્ય આરોપી દિનેશ શિવાજી પાવરા ફરાર છે. પોલીસને મળેલી વિગત મુજબ એક ઇસમ (અમલી પદાર્થ )ગાજો લઇ જતો હતો, આ ઇસમ હોટલ શિવમ પાસે ગાંજાનું વેચાણ કરતો હોવાની પણ બાતમી મળી હતી. છટકું ગોઠવ્યા બાદ એક ઇસમ ખુલ્લા મેદાનમાં બે બોરીઓ લઇને ઉભો હોવાનું જણાયું હતું. તેની પાસેથી ૨૦ કિલો ૩૦૦ ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. તપાસ બાદ જાણવા મળ્યું કે ધુલે જિલ્લાના શિરપુર તાલુકાના આદિવાસી વિસ્તારોમાંથી મોટા પ્રમાણમાં ગાંજો વેચવામાં આવી રહ્યો હતો અને મુખ્ય આરોપી ફરાર હતો. માનપાડા પોલીસ સ્ટેશનના વરિષ્ઠ પોલીસ નિરીક્ષક શેખર બગાડેએ લોકોને અપીલ કરી છે કે જો તેઓને આ રીતે ગાંજો વેચતા કે પીતા વ્યક્તિ જોવા મળે તો તરત જ મોબાઇલ નંબર 9823224584 અથવા 9922998698 પર ફોન કરી માહિતી આપો. પોલીસ કમિશનર દત્તાત્રય કરાળે, ડેપ્યુટી પોલીસ કમિશનર સચિન ગુંજાલ, મદદનીશ પોલીસ કમિશનર જે.ડી. મોરે, માનપાડા પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર શેખર બગડેના માર્ગદર્શન હેઠળ માનપાડા પોલીસ સ્ટેશનના તમામ પોલીસ કર્મચારીઓએ ગુનાનો પર્દાફાશ કરી વધુ તપાસ હાથ ધરી છે.


