બંટી-બબલીને બદલાપુર પોલીસે પરિચિતોને ફસાવવા બદલ ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું હતું કે આ બંન્નેએ અત્યાર સુધીમાં એક કરોડ રૂપિયા અને ઝવેરાતની ઉચાપત કરી છે.
પલ્લવી દોંદે અને મહેન્દ્ર દોદે તરીકે ઓળખાતા આ બંન્ને બંટી-બબલી કપલ બદલાપુરમાં જાન્હવી લૉન્સ સામેના મંગલમૂર્તિ એપાર્ટમેન્ટમાં રહેતા હતા. તેમણે પોતાના ઘણા પરિચિતો પાસેથી પૈસા લીધા, ક્યારેક જરૂરિયાતના નામે, તો ક્યારેક રોકાણના નામે; તેમણે કેટલાક લોકો પાસેથી લાખો રૂપિયાના દાગીના પણ લીધા હતા. પરંતુ તે પછી તેઓએ તે દાગીના ગીરવે રાખ્યા હતા અને તેના ઉપર પૈસા ઉપાડ્યા હતા. જ્યારે તેમને પૈસા અથવા દાગીના વિશે પૂછવામાં આવે ત્યારે તેઓ ખોટા વચનો આપતા હતા. કેટલાકને ૧૦ લાખ રૂપિયાના ચેક આપ્યા બાદ તે ચેક બાઉન્સ થઈ ગયા. તે પછી પણ જો આરોપીઓ પાસે પૈસાની માંગ કરે તો તેઓ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવાની ધમકી આપતા હતા. આ બન્ને શખ્સોએ ૧ કરોડ રૂપિયાથી વધુ રકમ તફડાવી ને મુંબઇ ભાગી ગયા હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. આ પછી બદલાપુર પૂર્વ પોલીસે તપાસ કરતાં બંન્નને મુંબઇથી પકડી હાથકડી લગાવી હતી.
આ બંન્ને લોકોએ જે પૈસા આ રીતે કમાવ્યા તેનુ શું કર્યું? શું તેમની સાથે કોઈ અન્ય સંડોવાયું હતું? આવા અનેક સવાલોના જવાબો હજુ બાકી છે, અને બદલાપુર પૂર્વ પોલીસ તપાસ કરી રહી છે.