શ્રી મહિલા ગૃહ ઉદ્યોગ - લિજ્જત પાપડ ના સહસંસ્થાપક *જશવંતીબેન જમનાદાસ પોપટ, લોહાણા નિવાસ - ચીરા બજાર, મુંબઈના રહેવાસી જસુબા, અત્યારે 93 વર્ષ ની ઉંમરે પણ લિજ્જત પાપડ - ગિરગામની શાખામાં સક્રિય રીતે કાર્યરત છે. તેમની સમાજના બહેનોને સ્વાવલંબી અને પગભર બનાવવાની સેવા-કાર્યની કદર રૂપે, તાજેતરના પ્રજાસત્તાક દિવસે ભારત સરકાર દ્વારા તેમને ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ માટે પદ્મશ્રી નો ખિતાબ એનાયત કરી સન્માન કરવામાં આવ્યું. સમગ્ર ગુજરાતી સમાજ, ખાસ કરીને લોહાણા જ્ઞાતિ માટે આ એક ગૌરવાસ્પદ ઐતિહાસિક બાબત છે.
સ્ત્રી સશક્તિકરણની આગવી મિશાલ એવા જશુબા ને હાર્દિક અભિનંદન..! ખૂબ ખૂબ વધાઈ..! કોટી કોટી વંદન..!
એ જમાનામાં એકાદ - બે ચોપડી ભણેલા જશવંતીબેન ને વિચાર આવ્યો કે ઘરનાં પુરુષો સવારે કામધંધે નીકળી જાય અને બાળકો નિશાળે જતાં રહે તે પછીનો ફાજલ સમયનો સદુપયોગ કરવાનાં આશયથી, પૂજ્ય છગનબાપા પારેખ નાં સ્ત્રીસશક્તિકરણ ના વિચારોથી પ્રેરિત થઈ, આદરણીય દત્તાણીબાપા નાં અણમોલ માર્ગદર્શનથી વર્ષ 1959 માં તેમના જ મતના કુલ સાત સભ્ય બહેનોના સાથ સહકારથી રજીસ્ટર્ડ સંસ્થા બનાવી. સંસ્થાની લીડરશિપ પોતે સ્વીકારી. ₹.200 ની લોન લઈ મૂડી ઊભી કરી, લિજ્જત પાપડ નો ગૃહ ઉદ્યોગ શરૂ કર્યો.
પરિશ્રમી મહિલાઓની મહેનત બર લાવી. ધંધો વિકસતો ગયો, લિજ્જત પાપડ ની માંગ વધતી ગઈ. પાપડ તૈયાર કરવા, પેકિંગ, માર્કેટિંગ, વેચાણ, હિસાબ-કિતાબ જેવા દરેક કામો મહિલાઓ જ કરે છે.
બસો રૂપિયાની મૂડીથી આરંભાયેલી સફર આજે વરસના 800 કરોડ ના ટર્નઓવરના આરે આવીને ઊભી છે, જે એક વૃદ્ધિગત ઈન્ડસ્ટ્રીમાં પરિવર્તિત થઈ ગઈ છે. 82 જેટલા પાપડ તૈયાર કરતા એકમોમાં જશુબા નાં વડપણ હેઠળ હજારો બહેનો રોજગાર મેળવી સ્વનિર્ભર બની રહી છે.
93 વર્ષની જૈફ ઉંમરે પણ આ જાજરમાન જનેતા કડેધડે છે. આજે પણ સંસ્થાના મેનેજમેન્ટ સહીતના સર્વે કામોમાં જશુબા સક્રિય છે. બીજા માળના તેમના નિવાસસ્થાનેથી સંસ્થાના કાર્યાલય સુધીનાં પગથિયા કોઈના પણ સહારા વગર અનેકવાર ચઢ-ઉતર કરે છે. તેમના ચહેરા ઉપર નરી પ્રસન્નતા અને કર્મયોગનું અદ્ભૂત ઓજસ છે. જસવંતીબેન ની ગાથા અનેક અબળાઓ ને સબળા બનવાનાં પથ પર ચાલવા માટે પ્રેરણારૂપ બને છે.
માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદ ના પ્રમુખ આદરણીયશ્રી સતિષભાઈ વિઠ્ઠલાણી, તેમના ધર્મપત્ની અને મહાપરિષદના મહિલા અધ્યક્ષા શ્રીમતી રશ્મિબેન વિઠ્ઠલાણી, સમાજશ્રેષ્ઠી શ્રી મહેન્દ્રભાઈ ઘેલાણી, મહાપરિષદના માનદ્દ મંત્રી ડૉ. સુરેશભાઈ પોપટ, આપણા કર્મઠ ખાસદાર શ્રી મનોજભાઈ કોટકે પ્રસંગનું ઔચિત્ય સાધી, સમગ્ર રઘુવંશીઓ ને જેમના માટે ગર્વ છે તેવા આદરણીય અને વંદનીય જશુમા નું બહુમાન કર્યું હતું.
પરમ કૃપાળુ પરમાત્મા *માતૃતૂલ્ય જશવંતીબેન ને નિરામય સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્ય અર્પે તેવી વિનમ્ર પ્રાર્થના..!
સંકલન - જયેશ કારિયા - કલ્યાણ. ✍️